માધવ મેજિક બ્લોગ

એક નાનકડો પ્રયાસ.

Archive for ઓક્ટોબર 2009

Enemy at the gates (…and India at rest)!!

with 3 comments

This is the post from Harshal Pushkarna‘s Blog.

ભારતના અરુણાચલ પ્રદેશમાં ચીની લશ્કરની ગેરકાયદે ઘૂસણખોરીના સમાચાર હમણાં ફરી અખબારોમાં ચમક્યા. રાબેતા મુજબ કેટલાક દિવસ ચીન સામે આક્રોશનો ઉહાપોહ મચ્યો અને રાબેતા મુજબ જ તેનો ઉભરો થોડા દિવસમાં શમી ગયો. મૅક્મેહોન સરહદની સતત અવગણના કરતા રહેલા ચીનનો ભારતના સરહદી પ્રદેશોમાં પેસારો વર્ષોથી ચાલુ છે, માટે ખરૂં જોતાં તેની ઘૂસણખોરીને ‘સમાચાર’નું લેબલ મારવા જેવું નથી. દા.ત. ૨૦૦૭ ની સાલમાં ચીની લશ્કરે કુલ ૭૭૮ વખત અને ૨૦૦૮ માં બધું મળી ૨,૨૮૫ વખત સરહદભંગ કર્યો હતો. અરૂણાચલ પ્રદેશથી માંડીને કાશ્મીર સુધીની સરહદે ચીની લશ્કરની ચહલપહલ જોતાં ઘૂસણખોરીનો ૨૦૦૯ ના વર્ષનો આંકડો સ્વાભાવિક રીતે હજી મોટો હશે. ટૂંકમાં, ભારતના સરહદી વિસ્તારોમાં ચીન ખુલ્લેઆમ પોતાનાં લશ્કરી મથકો સ્થાપે, રેડાર મથકો ઊભાં કરે, સરહદ સુધી લંબાતી પાકી સડકો બનાવે, શસ્ત્રોની જમાવટ કરે અને તેના સૈનિકો પેટ્રોલિંગના નામે સરહદ પાર કરીને ભારતમાં ઘૂસી આવે એમાં હવે કશું અસાધારણ કહી શકાય એવું નથી. કમ સે કમ ભારતની કેન્દ્ર સરકાર એવું માનતી હોય એમ લાગે છે, એટલે સરહદ પર જાણે કશી નવાજૂની બની રહી ન હોય તેમ વર્ષોથી નિદ્રાધિન છે.

આર્થિક મોરચે આજે કાઠું કાઢી રહેલા ચીને ભલે મૂડીવાદ અપનાવ્યો છે, પરંતુ એ દેશનો ઇતિહાસ તપાસો તો ખ્યાલ આવે કે તેના શાસકોની નીતિ હંમેશાં વિસ્તારવાદી રહી છે. ઇ.સ. ૧૬૬૪ માં ચિંગ વંશના શહેનશાહ ચીયેન લુંગે ભારતના નેફાનો (આજના અરુણાચલ પ્રદેશનો) તેમજ લદ્દાખનો પ્રદેશ પોતાના વિશાળ સામ્રાજ્યમાં ભેળવી દીધો હતો. વર્ષો બાદ બ્રિટન, જાપાન, અમેરિકા તેમજ રશિયા સામેના વિવિધ યુદ્ધોમાં ચીને પોતાનો કેટલોક પ્રદેશ ગુમાવવાનો વખત આવ્યો, જેમાં નેફા તેમજ લદ્દાખનોય સમાવેશ થતો હતો. આ પ્રદેશો ફરી કબજે મેળવવા માટે વખત જતાં ચીનના જે તે આગેવાનોએ પ્રયાસો આદર્યા. ૧૯૫૦ માં તિબેટ પર હુમલો કરી એ દેશને હંમેશ માટે ચીનમાં ભેળવી દેવામાં આવ્યો. બાર વર્ષ પછી ૧૯૬૨ ના યુદ્ધમાં ચીની વડા પ્રધાન ચાઉ-એન-લાઇએ ભારતનો કુલ ૩૮,૦૦૦ ચોરસ કિલોમીટરનો પ્રદેશ ચીની છાબડીમાં ખેરવી લીધો, તો આજે ચીની ડ્રેગનનો ડોળો આપણા અરુણાચલ પ્રદેશ પર તેમજ લદ્દાખ પર મંડાયો છે. મોકો મળ્યે એ બેય પ્રદેશોને તે ગળી જવા માગે છે.

ફૂંફાડા મારી રહેલા ચીની ડ્રેગનને નાથવા માટે ભારતની લશ્કરી તૈયારી કેવી છે ? કેટલીક વાસ્તવિકતા તપાસવા જેવી છે–આવતી કાલે માનો કે અરૂણાચલ પ્રદેશની સરહદે ચીન સામે યુદ્ધ ફાટી નીકળ્યું તો ત્યાં લશ્કરી પુરવઠો, સૈન્યો, શસ્ત્રો વગેરે પહોંચાડવા માટે રોડરસ્તાનું પાકું નેટવર્ક ભારત પાસે નથી. સીમાડા સુધી પહોંચવાનો પાકો રસ્તો એક જ છે, જેના પર ચીની લશ્કર રખે અંકૂશ જમાવી દે તો ભારતની સપ્લાય લાઇન કપાઇ સમજો. રસ્તાનું નેટવર્ક રચવા માટે કેન્દ્ર સરકારે રૂ.૭,૦૦૦ કરોડનો પ્રોજેક્ટ ઘડી કાઢ્યો છે, પરંતુ એ પ્રોજેક્ટ પાર પડે ત્યારની વાત ત્યારે ! બીજી તરફ ચીને ભારતને સ્પર્શતી સરહદ સુધી પાકી સડકોનું તેમજ રેલ્વે લાઇનોનું નેટવર્ક ક્યારનું ઊભું કરી દીધું છે. ભારતના હવાઇ દળે આસામમાં તેઝપુર ખાતે કેટલાંક સુખોઇ-૩૦ વિમાનો તૈનાત કર્યાં છે. અલબત્ત, આપણા એર ફોર્સમાં અત્યારે લડાયક વિમાનોની ભારે અછત છે. નવાં ૧૨૬ લડાયક વિમાનો ખરીદવાનો પ્લાન સંરક્ષણ મંત્રાલયે ક્યારનો ઘડી નાખ્યો છે, પરંતુ વિમાનની પસંદગીનુંય હજી તો મૂહુર્ત આવ્યું નથી. ખરીદી તો બહુ દૂરની વાત છે. ચીનના હવાઇ દળની તાકાત જોતાં મુઠ્ઠીભર વિમાનો વડે તેના ઝંઝાવાતી આક્રમણને ખાળવું ભારત માટે પડકારરૂપ બને એ સ્વાભાવિક છે.

ભારત અને ચીન વચ્ચે બ્રિટને આંકેલી મૅક્મેહોન સરહદ રેખા ચીનને મંજૂર નથીઅને એ વાતનો તેના રાજકીય આગેવાનો ઠાવકાઇથી અણસાર આપતા આવ્યા છે. અરુણાચલ પ્રદેશનો તવાંગથી શરૂ કરી લોહિત સુધીનો પ્રદેશ તેમજ લદ્દાખનો આખો પ્રદેશ ચીનને ખૂંચવી લેવો છે. (તાઇવાનનો વારો પણ વહેલોમોડો આવવાનો છે). ચીનનું ઘૂસપેઠિયું વલણ જોતાં તેમજ તેની વિસ્તારવાદી નીતિ જોતાં આપણી સરકારે વ્યૂહાત્મક તથા રાજકીય પગલાં તાત્કાલિક લેવાની જરૂર છે, જેથી ૧૯૬૨ માં બન્યું તેનું વન્સ મૉર ભારતના પક્ષે થાય નહિ. પરંતુ અફસોસની વાત છે કે ચીની ડ્રેગનના આગમનના ભણકારા વાગી રહ્યા છે ત્યારે ભારતીય સિંહ આરામ ફરમાવી રહ્યો છે.

——–

ચીની સૈનિકોની ભારતીય સરહદમાં ઘૂસણખોરીના મુદ્દે કેટલાક દિવસ પહેલાં ભારતીય ખુશ્કીદળના વડા જનરલ દીપક કપૂરે જાહેરમાં આપેલું નિવેદન–

“There has not been any more incursions or transgressions. As compared to last year, they are almost at the same level. So there is no cause for worry or concern.”

Written by Harshad / Madhav

ઓક્ટોબર 3, 2009 at 5:27 પી એમ(pm)

Posted in અનાથ

Tagged with